ગંભીરાની ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજ નું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદથી મહુધા કપડવંજ મોડાસાને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પરના અને નડિયાદ નજીક આવેલા બિલોદરા ગામ પાસેથી પસાર થતી શેઢી નદી પરનો બ્રિજ વર્ષ 1953માં બનાવવામાં આવ્યો હતો અને સમયાંતરે તેનું સમારકામ પણ થતું આવ્યું છે.
રિપોર્ટ તૈયાર કરી રીપેરીંગની કાર્યવાહી હાથ ધરાશે
હાલમાં જ ગત એપ્રિલ 2025માં આ બ્રિજનું ઉપરની તરફથી સમારકામ કરવામાં આવ્યું હતું, હાલ ગંભીરાની ઘટના બાદ ફરી એકવાર આ બ્રિજનું ફેર ઇન્સ્પેક્શન R&B સ્ટેટ વિભાગ ખેડા જિલ્લાના મુખ્ય ઇજનેર વિવેકસિંહ જામ દ્વારા કરવામાં આવ્યું, તેઓએ સંદેશ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે આ બ્રિજ નું ઉપરથી સમારકામ હાલમાં જ થયું છે, નીચેથી સમારકામ કરવાની કેટલી જરૂરિયાત છે તેને લઈ નિરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરી રીપેરીંગની કાર્યવાહી હાથ ધરાશે.
મહીસાગર નદી પરનો બ્રિજ પણ સૌથી જૂનો
મુખ્ય ઇજનેરે વધુમાં જણાવતા કહ્યું કે, હાલમાં 1950 1960 1970ની આસપાસ બનેલા સૌથી જુના બ્રિજનું ખાસ ફેર ચકાસણીનું કાર્ય ચાલી રહ્યું છે, આવા ટોટલ 12 બ્રિજની ફેર ચકાસણી કરવામાં આવી છે, પ્રિ મોન્સૂનના ભાગરૂપે તમામ બ્રિજ નું રીપેરીંગ કરેલું હતું, બિલોદરા બ્રિજ ખાતે પણ બ્રિજના નીચેના ભાગે સમારકામ કરવાની જરૂર છે કે નહીં તેની ફેર ચકાસણી કરવામાં આવી છે, તો બીજી તરફ ખેડાના સેવાલિયાથી પંચમહાલના ટીંબા ને જોડતો મહીસાગર નદી પરનો બ્રિજ પણ સૌથી જૂનો હોય તેની પણ ફેર ચકાસણી ચાલી રહી છે.
ખેડા કલેક્ટરના જાહેરનામા અંતર્ગત આ બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે
આ ઉપરાંત સત્તર્કતાના ભાગરૂપે ખેડા કલેક્ટરના જાહેરનામા અંતર્ગત આ બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે, અને હાલ તેનું ઇન્સ્પેક્શન પણ ચાલી રહ્યું છે, કપડવંજ ના બેટાવાળાના બ્રિજ નું એક વર્ષથી જાહેરનામું આપેલું છે જે જાહેરનામાને એક્સટેન્ડ કરેલું છે, અને હાલમાં નવા બ્રિજ માટેની મંજૂરી મળી ગઈ છે અને તેના માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે, અલીણા પણસોરા જર્જરીત બ્રિજ મામલે અને બ્રિજ નવો બનાવવાનો હોવા છતાં હાલમાં જ તેની પાછળ શા માટે રૂપિયા 18 લાખ ખર્ચવામાં આવ્યા તેવો સ્થાનિકો દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો જેનો જવાબ આપતા મુખ્ય ઇજનેર વિવેકસિંહ જામે કહ્યું કે અલીણા પણસોરા બ્રિજ પર ભારે વાહનો માટે હાલ ફરીએકવાર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
નવા બ્રિજની સરકારમાંથી મંજૂરી પણ મળી ગઈ છે
નાના વાહનો ત્યાંથી જઈ શકે છે અને બ્રિજ ઘણો જુનો હોવાથી પિરીયોડિકલ રીપેરીંગ નું કામ કરવાનું હોવાથી તે કરવામાં આવ્યું હતું, ખૂબ જ જર્જરિત અને તાકીદે બનાવવાની જરૂરિયાત હોય તેવો ગળતેશ્વર તાલુકાનો અને અંબાવ ગળતેશ્વર થી વડોદરાના ડેસર તાલુકાને જોડતો બ્રિજ હાલ જર્જરીત હાલતમાં છે ઘણો જૂનો થઈ ગયો છે અને તેના ઉપર ટ્રાફિક પણ વધી ગયું છે જેને લઇ સરકારમાં મંજૂરી માંગી હતી તે અંતર્ગત નવા બ્રિજની સરકારમાંથી મંજૂરી પણ મળી ગઈ છે જેની કાર્યવાહી હાલ ચાલુ છે.
ખેડા જિલ્લાના તમામ જુના તેમજ નવા બ્રીજોનું ફેર ચકાસણીનુ કામ ચાલુ છે
આમ ખેડા જિલ્લાના તમામ જુના તેમજ નવા બ્રીજોનું ફેર ચકાસણીનુ કામ ચાલુ છે ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરીને સમાર કામ તેમજ નવીનીકરણની મંજૂરી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે, "ત્યારે આશા રાખીએ કે અધિકારીઓ કોઈપણ પ્રકારની લાપરવાહી, લાલચવૃત્તિ તથા ભ્રષ્ટાચાર વગર કામગીરી કરી, પ્રજાના ટેક્સના નાણાંનો સંપૂર્ણ સદુપયોગ કરી પોતાની જવાબદારી નૈતિકતા અને ઈમાનદારીથી નિભાવી દેશ સેવા માટે પ્રેરિત બનશે."













