ખેડા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવી રેડમાં વિદેશી દારૂની હેરાફેરીમાં સત્તાધારી પક્ષ ભાજપનું કનેક્શન સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. SMC દ્વારા શનિવારે કરવામાં આવેલી રેડમાં કપડવંજ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય મફતભાઈ ઝાલાના પુત્ર લિંકન ઝાલાને દારૂની ખેપ મારતા રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 5.95 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા ભાજપ પ્રમુખની ચીમકી બાદ નેતાજી આવ્યા મીડિયા સામે
આ ચકચારી મામલામાં ભાજપનું નામ ઉછળતા જ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ હરકતમા આવ્યા હતા. પ્રમુખ દ્વારા કડક પગલાં લેવાની ચીમકી આપવામાં આવતા જ અત્યાર સુધી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા ભાજપના નેતા મફતભાઈ ઝાલા તાત્કાલિક મીડિયા સમક્ષ દોડી આવ્યા હતા. જોકે, પુત્ર ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાતા જ નેતાજીના સૂર સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા અને તેમણે પક્ષમાંથી પોતાની આબરૂ બચાવવા માટે લૂલો બચાવ શરૂ કર્યો હતો.













