કચ્છના મુન્દ્રા નજીક નાના કપાયા ગામ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટના ફોર-વ્હીલર અને બાઇક વચ્ચે સર્જાઈ હતી. મુન્દ્રા તાલુકાના નાના કપાયા નજીકના માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલી બોલેરો અને એક મોટરસાઇકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બાઇક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.


કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

આ અકસ્માતમાં બંને બાઇક સવારના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જાતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક નાના કપાયા નજીક પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી અને મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત

પોલીસે અકસ્માતનો ભોગ બનેલા વાહનો કબજે કર્યા છે અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, બોલેરો ચાલકની બેદરકારી હતી કે કેમ અને મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓ ક્યાંના રહેવાસી હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે નાના કપાયા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


  • Follow us on: