ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાના દાવા કરતી આમ આદમી પાર્ટીને કચ્છ જિલ્લામાં એક બહુ મોટો અને જોરદાર ઝટકો લાગ્યો છે. પશ્ચિમ કચ્છમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ અને જૂથવાદ આખરે સપાટી પર આવ્યો છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવીની આગેવાની હેઠળ આખી ટીમે પક્ષમાંથી સામૂહિક રાજીનામું ધરી દેતા સરહદી જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ સામૂહિક બળવાને કારણે પશ્ચિમ કચ્છમાં આમ આદમી પાર્ટીનું આખું સંગઠન માળખું એક જ ઝાટકે ધરાશાયી થઈ ગયું છે.


લોકસભા ઇન્ચાર્જ અને તાલુકા પ્રમુખો સહિત 36 હોદ્દેદારોના રાજીનામાં

મળતી માહિતી અનુસાર, પક્ષમાં યોગ્ય સન્માન ન મળવા અને સ્થાનિક સ્તરે જૂથવાદ ચરમસીમાએ પહોંચી જતાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક કે બે નહીં પરંતુ એકસાથે 36 સક્રિય હોદ્દેદારોએ પોતાના પદો પરથી રાજીનામાં આપી દીધા છે. જેમાં પશ્ચિમ કચ્છના જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવી, લોકસભા બેઠકના ઇન્ચાર્જ, વિવિધ તાલુકાના પ્રમુખો અને વિધાનસભા બેઠકોના પ્રભારીઓ અને અન્ય મુખ્ય કાર્યકરોનો સમાવેશ થાય છે.


આ તમામ અગ્રણીઓએ પક્ષના હાઇકમાન્ડને પોતાના સત્તાવાર રાજીનામાં મોકલી આપીને આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડી નાખ્યો છે.

આંતરિક જૂથવાદ નડ્યો: ઝુઝારદાન ગઢવી

આ સામૂહિક રાજીનામા બાદ પશ્ચિમ કચ્છના પૂર્વ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા પક્ષની આંતરિક સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, પક્ષમાં છેલ્લા ઘણા સમયથી ભારે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે, જેના કારણે પાયાના કાર્યકરો અને નેતાઓ ગૂંગળામણ અનુભવી રહ્યા હતા. વારંવારની રજૂઆતો છતાં આ બાબતે કોઈ સુધારા ન થતાં આખરે આખી ટીમે પક્ષમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે.


કચ્છમાં 'આપ' ને મોટું નુકસાન

કચ્છ જેવા મોટા ભૌગોલિક વિસ્તારમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં હોદ્દેદારોના રાજીનામા પડવા તે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. હવે આ નારાજ જૂથ આગામી દિવસોમાં કઈ રાજકીય દિશા પકડે છે - ભાજપ કે કોંગ્રેસમાં જોડાય છે કે પછી અપક્ષ તરીકે આગળ વધે છે, તેના પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે.


આ પણ વાંચો - Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે


  • Follow us on: