કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મેઘરાજાએ હાથ તાળી આપી હોય તેમ વરસાદ નહીં પડતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતો હવે કાગ ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. મોટાભાગે જિલ્લામાં કપાસ, મગફળી, એરંડા, જેવા પાકોનું વાવેતર કરવમાં આવ્યું છે. જો સમય સર વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જાશે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે.
વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા
કચ્છ જિલ્લામાં વરસાદ આધારિત ખેડૂતો ખેતી કરે છે. અગાઉ કચ્છ જિલ્લામાં પડેલા વરસાદને પગલે ખેડૂતો વાવેતર કર્યું હતું. જિલ્લામાં 5 લાખ 61 હજાર હેકટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાયો છે. વરસાદનો બીજો રાઉન્ડ નહીં પડતા ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ છે. વરસાદ નહીં પડતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે.
ખેડૂત પર સંકટના વાદળ ધેરાયા
વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોટેલો છે. લાંબા વિરામ બાદ કચ્છમાં હજુ સુધી વરસાદી સંજોગો નહિ સર્જાતા જગતનો તાત ખેડૂત પર સંકટના વાદળ ધેરાયા છે. જિલ્લામાં સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા નથી. બીજી બાજુ પાણીના તળ ખુબજ ઊંડા ગયા છે. તેવામાં મેઘરાજાએ રિસામણા કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સમયસર વરસાદ નહીં પડેતો કપાસ, મગફળી, એરંડા, ઘાસચારો, શાકભાજી સહિતના પાકમાં નુકશાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.