કચ્છ જિલ્લામાંથી એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભચાઉ-ગાંધીધામ હાઇવે પર એક ઊભેલા ટ્રેલર પાછળ કાર ધડાકાભેર અથડાતાં કાર ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ભચાઉથી ગાંધીધામ તરફ જતા હાઇવે પર વલોરા કંપની સામેના વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. કોઈક કારણોસર રોડ પર એક ટ્રેલર ઊભું હતું.


ઉભેલા ટ્રેલર પાછળ કાર ધડાકાભેર અથડાઈ

આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર ધડાકાભેર ટ્રેલરની પાછળના ભાગે અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. આ ભયંકર અકસ્માતમાં કાર ચલાવી રહેલા યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

વલોરા કંપની સામે સર્જાયો હતો અકસ્માત 

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને ટ્રેલર કયા સંજોગોમાં ઊભું હતું અને અકસ્માત કઈ રીતે થયો તે દિશામાં વધુ તપાસ આદરી છે.


  • Follow us on: