કચ્છ જિલ્લાના ભચાઉ રેલવે સ્ટેશન પર આજે એક મોટી દુર્ઘટના થતા માંડ માંડ ટળી છે. ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેન જ્યારે સ્ટેશન પર ઊભી હતી. ત્યારે તેના એક જનરલ ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ટ્રેનમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તારણ છે. વીજ જોડાણમાં ખામી સર્જાતા જનરલ ડબ્બાના એક ભાગમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાં જ ડબ્બાની અંદર બેઠેલા મુસાફરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
ભચાઉ રેલવે સ્ટેશન પર ટ્રેનના જનરલ ડબ્બામાં આગ
મુસાફરો જીવ બચાવવા માટે બૂમાબૂમ કરીને તાત્કાલિક ડબ્બામાંથી બહાર નીકળવા દોડ્યા હતા. આ ગંભીર બનાવમાં કોઈ મોટી જાનહાનિ ન થતાં, રેલવે સ્ટાફ અને મુસાફરોની સમયસૂચકતા સરાહનીય બની રહી છે. આગની જાણ થતાં જ ટ્રેનના સ્ટાફે તરત જ પગલાં લીધા હતા. ડબ્બામાં ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનોનો તાત્કાલિક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાધનોની મદદથી આગને અન્ય ડબ્બાઓમાં ફેલાય તે પહેલા જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.













