કચ્છ જિલ્લાના સામખિયાળી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. સાંજે અચાનક વાતાવરણ પલટાતા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સામખિયાળી ઉપરાંત લાકડીયા, કટારીયા, શિકારપુર અને ઘરાણા જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદને કારણે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


સમખિયાળી સહીત ગ્રામ પંથકમાં વરસાદ

ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. હવે આ વરસાદ પાકને નવજીવન આપશે અને ખેતીના પાકોને થતા નુકસાનથી બચાવશે. ખાસ કરીને કપાસ, મગફળી અને અન્ય ખરીફ પાકો માટે આ વરસાદ અત્યંત ફાયદાકારક સાબિત થશે. વરસાદ શરૂ થતાની સાથે જ વાતાવરણમાં ફેલાયેલા બફારા અને ગરમીથી પણ લોકોને રાહત મળી હતી.

લંબા વીરામ બાદ મેઘ મહેર થતાં ખેડૂતોમા ખુશાલી

સામખિયાળી વિસ્તારમાં વરસાદનું જોર એટલું હતું કે થોડા સમય માટે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. પરંતુ બાદમાં તેનો નિકાલ થતાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. આ વરસાદ માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે આશાનું કિરણ લઈને આવ્યો છે. અચાનક પડેલા વરસાદથી લોકોમાં ખુશી અને રાહતની લાગણી જોવા મળી રહી હતી.


  • Follow us on: