કચ્છ યુનિવર્સિટીમાં થયેલા કથિત ભરતી કૌભાંડનો મામલો વધુ ગરમાયો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે રજિસ્ટ્રાર, ઇન્ચાર્જ કુલપતિ અને કાયમી કુલપતિ વિરુદ્ધ ખાતાકીય તપાસની માગણી કરી હતી. યુવરાજસિંહનો આક્ષેપ હતો કે યુનિવર્સિટીએ નિયમો વિરુદ્ધ જઈને ભરતીઓ કરી હતી. જેના કારણે રાજ્યના શિક્ષણ વિભાગે તેને રદ કરવાનો આદેશ પણ આપ્યો હતો. યુનિવર્સિટી દ્વારા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ભરતી કરવામાં આવી હતી.


વિધાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા ખાતાકીય તપાસની માંગ કરી

આ ભરતી પ્રક્રિયામાં નિયમોનો ભંગ થયો હોવાનું બહાર આવતા રાજ્યના શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી આ ભરતી રદ કરવાનો હુકમ કર્યો હતો. જોકે શિક્ષણ વિભાગના આદેશ બાદ પણ બે કર્મચારીઓને સ્ટે મળ્યો હોવાથી તેઓ નોકરી પર ચાલુ રહ્યા. પરંતુ અન્ય ત્રણ કર્મચારીઓને હજુ સુધી છૂટા કરવામાં આવ્યા નથી. યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દાને ગંભીર ગણાવીને જણાવ્યું હતું કે જ્યારે શિક્ષણ વિભાગે આદેશ આપી દીધો હોય તો પણ આ ત્રણ કર્મચારીઓને કેમ છૂટા કરવામાં આવ્યા નથી? તેમણે આ સમગ્ર મામલામાં ઊંડી તપાસ કરવાની માગણી કરી હતી.

રાજયના શિક્ષણ વિભાગે ભરતી રદ્દ કરવાનો હુકમ કર્યો હતો

યુવરાજસિંહનો આરોપ હતો કે આ કૌભાંડમાં યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ જેમાં રજિસ્ટ્રાર અને કુલપતિ પણ સામેલ છે તેમની મિલીભગત છે. આ ઘટનાથી યુનિવર્સિટીના વહીવટ પર ગંભીર સવાલો ઉભા થયા હતા. યુવરાજસિંહ જાડેજાએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે તો તેઓ વિદ્યાર્થીઓના હિતમાં વધુ ઉગ્ર આંદોલન કરશે.


  • Follow us on: