કચ્છમાં છેલ્લા દસેક વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, પરંતુ પહેલા માત્ર મહારાષ્ટ્રનાં રહેવાસીઓ દ્વારા જ તેમના સમાજ પૂરતી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હતી, પરંતુ અત્યારે તો જે જે વિસ્તારોમાં નવરાત્રિની ગરબી થઇ રહી છે તે તે વિસ્તારોમાં તો ગરબી મંડળ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સાથોસાથ વિવિધ સંસ્થાઓમાં તેમજ ઘરે ઘરે પણ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરીને પૂજા, અર્ચના, આરતી, અન્નકૂટ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. પરિણામે સમગ્ર કચ્છ તા. ૨૭ ઓગસ્ટનાં ગણેશચતુર્થીથી લઇને ૧૨ દિવસ સુધી ભગવાન ગણેશજીની ભક્તિમાં લીન રહેશે.


મૂર્તિ બનાવનારા કારીગરોએ કચ્છમાં ધામા નાખ્યા

ભક્તોની ભગવાન ગણેશજી ઉપરની આસ્થાને ધ્યાને લઇને છેલ્લા ૧૫ દિવસથી મૂર્તિ બનાવનારા કારીગરોએ કચ્છમાં ધામા નાખ્યા છે અને નાના તથા મધ્યમ કદની મૂર્તિનાં નિર્માણ કાર્યમાં લાગી ગયા છે. જેમ જેમ મૂર્તિનું નિર્માણ થતું જાય તેમ તેમ જે તે મૂર્તિનાં ઓર્ડર પણ બુક થઇ રહ્યા છે. કારણ કે, સમયમર્યાદમાં વધુ પ્રમાણમાં ગણપતિની મૂર્તિનું નિર્માણ થાય તો જ કચ્છ સુધીનો ધક્કો ફળે તેવું કારીગરીઓ સારી રીતે જાણે છે. તેને કારણે પણ તેઓ દિવસ અને રાત પ્લાસ્ટિક ઓફ પેરિસમાંથી તેમજ માટીમાંથી પણ મૂર્તિનું નિર્માણ કરીને તેને કલર કરી આકર્ષક ઓપ આપવામાં પરોવાઇ ગયા છે. જેને કારણે લોકો ગણેશજીની પ્રતિમાને નિહાળીને તુરંત ખરીદી કરવાનું મન બનાવે તેવો કારીગરો દ્વારા હંમેશાં પ્રયાસ કરવામાં આવે છે.

ભુજમાં છેલ્લા ૧૫ દિવસથી ૫૦થી વધુ પરિવારો દ્વારા મૂર્તિનું નિર્માણ

ભુજમાં તો છેલ્લા પંદર દિવસથી ૫૦થી વધુ પરિવારો દ્વારા નાની - મોટી એક હજારથી વધુ મૂર્તિનંુ નિર્માણ અત્યાર સુધીમાં કરી નાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે મૂર્તિનાં નિર્માણમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ સ્ત્રી સહિત તમામ પરિવાર આજ કામમાં જોતરાઇ ગયો છે. ખાસ કરીને ભક્તો ગણેશજીની મૂર્તિની ખરીદી સમયે સૌથી પહેલાં આંખ ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરે છે. જે મૂર્તિ કંઇક કહી રહી હોય તેવી બોલતી આંખોસભર મૂર્તિ ખરીદવા પર ભક્તો પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે.

હાલે માર્કેટમાં ૧૫૦થી વધુ વેરાઇટીસભર ગણેશજીની મૂર્તિઓ

હાલે શહેરમાં ૧૫૦થી પણ વધુ વેરાઇટીસભર મૂર્તિ વેચાણમાં મૂકવામાં આવી છે. ત્યારે વિવિધ ગરબી મંડળો તથા સંસ્થાઓ પોતાને મનગમતી મૂર્તિઓનું હાલે બુકિંગ કરાવી રહ્યા છે, જેને કારણે અત્યારે સુધીમાં ૩૦ ટકા જેટલી મૂર્તિનું બુકિંગ પણ થઇ ગયું છે. હાલે માર્કેટમાં રૂ. ૫૦૦થી લઇને રૂ. ૩૦ હજાર સુધીની મૂર્તિ ઉપલબ્ધ છે. આગામી તા.૨૭ ઓગસ્ટનાં ગણેશચતુર્થીથી ગણેશ મહોત્સવની ઉજવણીનો રંગેચંગે પ્રારંભ થશે. વિવિધ સોસાયટી વિસ્તારો, ગરબી મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ત્રણ, પાંચ કે સાત દિવસીય ઉજવણી કરી ભગવાન ગણેશજીની ભક્તિમાં લીન રહેશે. વિવિધ મંડળો દ્વારા રાસ ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાન્સ કોમ્પિટિશન, સંતવાણી સહિતનાં અનેકવિધ કાર્યક્રમો તેમજ દરરોજ મહાઆરતી દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જેને લઇને લોકોમાં અત્યારથી જ ઉત્સાહ છે.


  • Follow us on: