સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર આવેલા કટારિયા ટોલગેટ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુસાફરો ભરીને જઈ રહેલી એક બોલેરો પીકઅપ વાન અને એક કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત લીંબડી-ચોટીલા નેશનલ હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક થયો હતો. બોલેરો પીકઅપ વાન ચોટીલાથી મુસાફરો ભરીને ગોધરા તરફ જઈ રહી હતી.


કટારિયા નજીક ટોલગેટ નજીક સર્જાયો અકસ્માત

વાહન ચાલકોની કોઈ બેદરકારીના કારણે પીકઅપ વાન અને આગળની કાર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રોડ પર લોહીલુહાણ મુસાફરોના આક્રંદ અને ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતમાં કુલ 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પીકઅપ વાન ચોટીલાથી મુસાફરો ભરીને જતી હતી

લીંબડી સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાની ગંભીરતાને જોતા કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કઈ રીતે સર્જાયો તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતની વિગતો નોંધીને બંને વાહનોના ચાલકોની પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: