મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક કૂખ્યાત ગુનેગાર દ્વારા નગરપાલિકાની ટીમ સાથે દાદાગીરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ દાદાગીરી કરનાર નાસિર અરબની પોલીસે તાત્કાલિક અટકાયત કરી છે. જિલ્લા કલેક્ટરના આદેશથી લુણાવાડામાં છેલ્લા બે દિવસથી ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે.
દબાણ દૂર કરતી નપાની ટીમને અટકાવવાનો પ્રયાસ
આ સફાઈ અભિયાનમાં નગરપાલિકાની ટીમ, પોલીસ અને અન્ય સરકારી વિભાગો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત નગરના રસ્તાઓ અને જાહેર જગ્યાઓ પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આજે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કુખ્યાત ગુનેગાર નાસિર અરબે નગરપાલિકાની ટીમ સાથે દાદાગીરી કરીને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. નાસિર અરબ અગાઉ જુગાર અને સટ્ટા-મટકા જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.
પોલીસે નાસીર અરબની કરી અટકાયત
તેણે પાલિકાના કર્મચારીઓ સાથે તુ તુ મેં મેં કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની અટકાયત કરી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધા બાદ સમગ્ર વિસ્તારના લોકોને હટાવીને ગેરકાયદેસર દબાણ દૂર કર્યું હતું. પાલિકાનું બુલડોઝર ફરતા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ પ્રકારના અભિયાન ચાલુ રાખવામાં આવે તો શહેરી વિસ્તારોમાં ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ હલ થઈ શકે છે.