મહીસાગર જિલ્લાના તાત્રોલી ગામ નજીક આવેલ હાઈડ્રોપાવર પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કડાણા ડેમમાંથી અચાનક મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા મહી નદીના પાણી પ્લાન્ટમાં ઘૂસી ગયા હતા. જેને કારણે 5 લોકો ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ સ્થાનિકો અને પ્લાન્ટના કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. મહી નદીમાં કડાણા ડેમમાંથી 1 લાખ 19 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું.


હાઇડ્રોપાવર પ્લાન્ટમાં ઘૂસ્યા મહી નદીના પાણી 

આટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા નદીનું જળસ્તર એકાએક વધી ગયું હતું. પાણીના ધસમસતા પ્રવાહને કારણે તાત્રોલી પાસે આવેલ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં પાણી ઘૂસી ગયું હતું. બનાવ સમયે હાઈડ્રોપાવર પ્લાન્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓ અને અન્ય લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ ઘટનામાં 5 યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને હાઈડ્રોપાવર પ્લાન્ટના કર્મચારીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સ્થાનિકો અને હાઈડ્રોપાવર પ્લાન્ટના કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ

બચાવ કામગીરીમાં સ્થાનિક તરવૈયાઓ પણ જોડાયા છે. એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમજ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દુર્ઘટનામાં કેટલા લોકો ખરેખર ફસાયા છે અને તેમને બચાવી શકાયા છે કે કેમ તે અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.


  • Follow us on: