મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. મોતીપુરા ગામના 53 વર્ષીય નટવરભાઈ ચાવડા શેઢી નદીના પ્રવાહમાં તણાઈ જતાં તેમનું મોત નિપજ્યું છે. ગતરોજ સાંજે નટવરભાઈ મોતીપુરાથી પાલીખંડા ગામે દૂધ ભરાવવા ગયા હતા. આધેડ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરી દીધી હતી.


પાલીખંડા ગામે દૂધ ભરાવવા જતા તણાયા આધેડ 

જ્યારે આજે બીજા દિવસે મોતીપુરા ગામ પાસેથી પસાર થતી શેઢી નદીમાંથી આ આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. નમનાર ચારણ ગામ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ આ ઘટનાની જાણ લુણાવાડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને કરી છે. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો

આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોઠંબા સરકારી દવાખાના ખાતે લઈ જવામાં આવ્યો છે. આ ઘટના મામલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જેમાં સાવચેતી ન રાખતા આવી દુર્ઘટનાઓ થતી હોય છે. આ કારણોસર લોકોને અપીલ કરવામાં આવતી હોય છે કે સાવચેતી રાખવી અને કોમ વગર બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું.


  • Follow us on: