ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદ અને ડેમોમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે મહીસાગર નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદી ભયજનક સપાટી વટાવીને વહી રહી છે. જેના કારણે કિનારાના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મુજપુર ગામમાં આવેલા પ્રસિદ્ધ મહીસાગર માતા મંદિરના પગથિયાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જે નદીના ભયાનક સ્વરૂપનો પુરાવો આપે છે. મહીસાગર નદીના આ રૌદ્ર સ્વરૂપના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે.


મુજપુર મહીસાગર મંદિરના પગથિયા સુધી પાણી

જેમાં નદીનો ધસમસતો અને વિશાળ પ્રવાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આકાશી દ્રશ્યોમાં નદીનો પટ એટલો ભયાવહ લાગી રહ્યો છે કે સામાન્ય દિવસોમાં શાંત રહેતી નદી આજે જીવંત અને વિકરાળ લાગી રહી છે. નદીના પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે તેની આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ છે. નદીના જળસ્તરમાં થયેલા અસામાન્ય વધારાને કારણે મહંમદપુરા ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. જેના કારણે ખેડૂતોને તેમના ઉભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.

મહિસાગરના રૌદ્ર સ્વરૂપનો ડ્રોન નજારો આવ્યો સામે

કપાસ, ડાંગર, અને શાકભાજી જેવા પાકો પાણીમાં ડૂબી જતાં ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા નદીકાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારેથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ ઘટના કુદરતની શક્તિ અને તેના પ્રકોપને દર્શાવે છે, અને લોકોને સાવધ રહેવા માટે ચેતવણી આપે છે.


  • Follow us on: