અમદાવાદમાં લાઈફ લાઈન બનેલી મેટ્રો ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અપડાઉન કરનારા લોકો સામે ખૂબજ સરળ મુસાફરી તરીકે મેટ્રો ટ્રેન અત્યારે છેક ગાંધીનગર સુધી વિસ્તરી ગઈ છે. ત્યારે મેટ્રો પ્રોજેક્ટમાં થઈ રહેલા ખર્ચ સામે આવક ખૂબ જ ઓછી હોવાની વિગતો વિધાનસભામાં જાહેર કરાઈ છે. ગૃહમાં સરકારે સત્તાવાર જવાબ આપ્યો હતો કે, અમદાવાદ મેટ્રોમાં ખર્ચ કરતાં આવક ઓછી છે.
વિધાનસભામાં મેટ્રોના ખર્ચ અને આવક અંગે સવાલ કરાયો
ગુજરાત વિધાનસભામાં મેટ્રોનો ખર્ચ અને આવક અંગે સવાલ કરાયો હતો. જેનો સરકારે સત્તાવાર જવાબ આપતાં કહ્યું હતું કે, અમદાવાદ મેટ્રોમાં ખર્ચ કરતાં આવક ઓછી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પાછળ કરવામાં આવેલા ખર્ચ કરતાં આવક ઓછી થવા પામી છે. સરકારે વિધાનસભામાં કહ્યું હતું કે, અમદાવાદ મેટ્રો માટે 1868.65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેની સામે માત્ર 133.39 કરોડની આવક થવા પામી છે.













