અમદાવાદનો જાણીતો અને રાત્રિના સમયે ધમધમતો સિંધુ ભવન રોડ ફરી એકવાર વિવાદના કારણે ચર્ચામાં આવ્યો છે. આ રોડ પર આવેલા લોકપ્રિય 'લાઈટિંગ એરિયા'માં કેટલીક મહિલાઓ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી બાદ છૂટ્ટાહાથની મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જાહેર રસ્તા પર જ મહિલાઓ એકબીજા સાથે બાખડી પડી હતી. ઉચ્ચ ભ્રૂ ગણાતા વિસ્તારમાં આ પ્રકારે મહિલાઓ વચ્ચે થયેલી મારામારીને પગલે આસપાસના લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું.
મહિલાઓ વચ્ચે મારામારીનું કારણ અકબંધ
થોડીવાર માટે ટ્રાફિક અને લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા. જોકે આ ઝઘડો કયા કારણોસર થયો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ જાગૃત નાગરિકે ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. સિંધુ ભવન રોડ પર અવારનવાર નબીરાઓના સ્ટંટ કે આવી મારામારીની ઘટનાઓ બનતી રહે છે, જે પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા કરે છે. સ્થાનિક પોલીસ વાયરલ વીડિયોના આધારે મહિલાઓની ઓળખ કરવા અને આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે કેમ તેની તપાસ કરી રહી છે.













