અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ભ્રષ્ટાચાર સામે એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. આ મામલાની વિગત મુજબ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (Negotiable Instruments Act) હેઠળના એક વોરંટની બજવણી કરવાની હતી. આ વોરંટની બજવણી કરવાના બદલામાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વતી ₹3,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જાગૃત નાગરિકે લાંચ આપવાને બદલે એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું.


ખાનગી વ્યક્તિ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

એસીબી દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપ દરમિયાન, પોલીસ કર્મચારીઓ વતી લાંચની રકમ સ્વીકારવા આવેલા વચેટિયા (ખાનગી વ્યક્તિ) વિષ્ણુભાઈ પટેલને ₹3,000ની રોકડ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત અન્ય બે વ્યક્તિઓની સંડોવણી પણ સામે આવી છે. એસીબીએ ભ્રષ્ટાચાર નિરોધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હેડ કોન્સ્ટેબલ સહિત બે શખ્સો હાલ 'વોન્ટેડ'

આ ટ્રેપના પગલે એસીબીએ કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. લાંચ લેતા ઝડપાયેલા વચેટિયા વિષ્ણુ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ કૌભાંડમાં સામેલ કિશનકુમાર અને કેતન જોષી (જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે) હાલ પોલીસ પકડથી દૂર છે અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એસીબીએ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે કે આ અગાઉ પણ આ શખ્સોએ અન્ય કેટલા લોકો પાસેથી આ પ્રકારે નાણાં પડાવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: