અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી પોલીસની ઊંઘ હરામ કરનાર રીઢા બાઇક ચોર અને તેની ટોળકીને ઝડપી પાડવામાં સોલા પોલીસને મોટી સફળતા મળી છે. શોર્ટકટથી રૂપિયા કમાવવાના મોહમાં આ ટોળકીએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બાઇકો ચોરી કરી રાજસ્થાનમાં વેચવાનું નેટવર્ક ઉભું કર્યું હતું. પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીની 23 બાઇક જપ્ત કરી છે.
માસ્ટરમાઈન્ડની મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રાજસ્થાનનો ગોપાલ તિલગર છે. ગોપાલ પોતાની પાસે ડુપ્લીકેટ ચાવીઓનો ઝૂડો રાખતો અને જે ચાવી જે બાઇકમાં લાગી જાય તેનું લોક ખોલી ગણતરીની મિનિટોમાં બાઇક ચોરી કરી લેતો હતો. તે ખાસ કરીને એસ.પી. રિંગ રોડ પર આવેલા બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવતો હતો.
અમદાવાદમાં ચોરી, રાજસ્થાનમાં વેચાણ
ગોપાલ બાઇક ચોરી કર્યા બાદ તેના સાથીદારો મુકેશ પારગી અને ભરત સિંધાડાને નજીવી કિંમતે બાઇક વેચી દેતો હતો. આ બંને શખ્સો ચોરીના વાહનો રાજસ્થાન લઈ જતા અને ત્યાં ગ્રાહકોને 'આરસી બુક અને દસ્તાવેજો પછી આપીશું' તેમ કહી છેતરીને બાઇકો પધરાવી દેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી નંબર પ્લેટ વગરના અને અવાવરુ જગ્યાએ છુપાવેલા વાહનો કબજે કર્યા છે.
19 ગુનાના ભેદ ઉકેલાયા
પકડાયેલા આરોપી ગોપાલ વિરુદ્ધ અગાઉ પણ મણિનગર, ખોખરા અને રાજસ્થાનમાં બાઇક ચોરીના 11 ગુના નોંધાઈ ચૂક્યા છે. સોલા પોલીસે આ ધરપકડ સાથે શહેરના સોલા, રામોલ અને કૃષ્ણનગર જેવા વિસ્તારોમાં નોંધાયેલા કુલ 19 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. હાલ પોલીસ આ ટોળકીના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો---- Vadodara : એસીબીનો સપાટો, પાદરાના PI વતી 2 લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો