અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકામાં આવેલા ઢેઢાળ વાસણા ગામે જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગામમાં રહેતા ઇન્દ્રજીત મકવાણા નામના યુવક પર તે જ ગામના કાળુ ચૌહાણ નામના શખ્સે અચાનક હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દીધો હતો.


અદાવતમાં હુમલો કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્દ્રજીત મકવાણા અને કાળુ ચૌહાણ વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતનો બદલો લેવા માટે કાળુ ચૌહાણે ઇન્દ્રજીતને રસ્તામાં આંતરીને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી તેના પર આડેધડ હુમલો કર્યો હતો. હુમલાખોરે હુમલો કરતી વખતે બૂમો પાડીને ધમકી આપી હતી કે, "આજે તો તને જીવતો નહીં રહેવા દઉં." હુમલાને પગલે ઇન્દ્રજીતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પોલીસ તપાસ શરૂ

લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ બાવળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઇન્દ્રજીતની ફરિયાદના આધારે આરોપી કાળુ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો---    Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત

  • Follow us on: