અમદાવાદના રાણીપ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરા પર ગેંગરેપ થયાનો ગંભીર આરોપ સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના 31 ડિસેમ્બરની હોવા છતાં તેનો વીડિયો ત્રણ મહિના બાદ વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
સગીરા પોતાના મિત્રો સાથે માઉન્ટ આબુ ગઇ હતી
મળતી માહિતી મુજબ રાણીપમાં રહેતી પીડિતા સગીરા પોતાની 14 વર્ષીય સગીરા મિત્ર, 22 વર્ષીય દિવ્યેશ પારેખ અને અન્ય મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે માઉન્ટ આબુ ગઈ હતી. આબુ પહોંચ્યા બાદ પીડિતાને નશાકારક પીણું પીવડાવવામાં આવ્યું હતું.
દુષ્કર્મ આચર્યું
આરોપ છે કે પીડિતા બેભાન અવસ્થામાં હોવાનો લાભ લઈ દિવ્યેશ પારેખ અને તેની 14 વર્ષીય મિત્રએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં, દુષ્કર્મ દરમિયાન 14 વર્ષીય સગીરાએ ઘટનાનો વીડિયો પણ મોબાઈલમાં કેદ કર્યો હતો.
વીડિયો લગભગ ત્રણ મહિના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ
આ વીડિયો લગભગ ત્રણ મહિના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ પીડિતાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
દિવ્યેશ પારેખ ગાંધીનગરમાં હેર કટિંગનું કામ કરે છે
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિવ્યેશ પારેખ ગાંધીનગરમાં હેર કટિંગનું કામ કરતો હતો. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને SC/ST સેલે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે.
સગીરા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી
પોલીસ હાલમાં આ કેસમાં અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ કરી રહી છે. ઉપરાંત વીડિયો કોણે વાયરલ કર્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. 14 વર્ષીય સગીરા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.