અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકના નિયમો અને માનવતાને નેવે મૂકતી એક ઘટના સામે આવી છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાસે એક કાર ચાલકે સામાન્ય અકસ્માત જેવી બાબતમાં ઉશ્કેરાઈ જઈને એક વૃદ્ધ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ હિંસક ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સામાન્ય અકસ્માત બાદ બન્યો હતો બનાવ
ખોડિયાર મંદિર પાસે વૃદ્ધ અને કાર ચાલક વચ્ચે વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આક્ષેપ છે કે, કાર ચાલકે આવેશમાં આવીને વૃદ્ધની સુરક્ષાની પરવા કર્યા વગર તેમની પર કાર ચઢાવી દીધી હતી. આ હુમલામાં વૃદ્ધને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. રસ્તા પર બનેલી આ સનસનાટીભરી ઘટનાના દ્રશ્યો જોઈ હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.













