અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિકના ભારણ વચ્ચે રિક્ષા પાર્કિંગની સમસ્યા ગંભીર બની રહી છે. શહેરમાં અંદાજે 2 લાખથી વધુ ઓટો રિક્ષા દોડે છે, પરંતુ તેના મુકાબલે પાર્કિંગની સુવિધા ખૂબ જ ઓછી છે. હાલ શહેરમાં માત્ર આશરે 19 હજાર રિક્ષા માટે જ પાર્કિંગની વ્યવસ્થા હોવાનું સામે આવ્યું છે.
80 ટકા સ્ટેન્ડ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે
વર્ષ 2018માં ટ્રાફિક મુદ્દે હાઇકોર્ટ દ્વારા કડક ટિપ્પણી કરવામાં આવ્યા બાદ તંત્રએ શહેરમાં 3020 રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ ફાળવ્યા હતા. પરંતુ હકીકતમાં આ સ્ટેન્ડમાંથી લગભગ 80 ટકા માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. અનેક સ્થળોએ દબાણો થઈ ગયા છે, જ્યારે કેટલાક સ્ટેન્ડ શહેરના વિકાસ કાર્યોમાં સમાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
મુખ્ય માર્ગો પર રિક્ષાના અડ્ડા
આ પરિસ્થિતિને કારણે રિક્ષા ચાલકોને રસ્તા પર જ ઉભા રહી મુસાફરોની રાહ જોવી પડે છે. પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર રિક્ષાના અડ્ડા સર્જાતા ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
પાર્કિંગની પૂરતી વ્યવસ્થા નથી
રિક્ષા ચાલકોનું કહેવું છે કે તેઓ જાણીને નિયમો તોડતા નથી, પરંતુ પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાથી મજબૂરીમાં રસ્તા પર જ ઉભા રહેવું પડે છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષથી નવા રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી યોગ્ય ઉકેલ આવ્યો નથી.
નવા રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ ફાળવવાની પ્રક્રિયા
તંત્ર દ્વારા અગાઉ ફાળવાયેલા ઘણા સ્ટેન્ડ એવા વિસ્તારોમાં હતા જ્યાં મુસાફરો ઓછા મળતા હોવાથી તેનો ઉપયોગ થતો નથી. હવે ટ્રાફિક વિભાગ અન્ય એજન્સીઓ સાથે મળીને યોગ્ય સર્વે કરીને નવા રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ ફાળવવાની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો---- Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી