અમદાવાદના સરદારનગર વિસ્તારમાં તાજેતરમાં વૃદ્ધા હત્યા અને લૂંટની ઘટનાના પગલે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઘટનાને ધ્યાનમાં રાખીને ઝોન-4ના ડીસીપી દ્વારા સિનિયર સિટીઝનો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સુરક્ષા અને સાવચેતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા
આ બેઠકમાં સિનિયર સિટીઝનોને પોતાના ઘરની સુરક્ષા, અજાણ્યા લોકોને વિશ્વાસ ન કરવા, તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જેવા મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વૃદ્ધ નાગરિકો ઘણી વખત ગુનાખોરો માટે સરળ લક્ષ્ય બની જાય છે, તેથી તેઓએ ખાસ સતર્ક રહેવાની જરૂર છે.
સાયબર ક્રાઈમ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી
બેઠક દરમિયાન સાયબર ક્રાઈમ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આજકાલ સાયબર ગઠિયાઓ ખાસ કરીને સિનિયર સિટીઝનોને નિશાન બનાવી રહ્યા છે. “ડિજિટલ અરેસ્ટ” જેવી છેતરપિંડીના કિસ્સાઓથી બચવા માટે અજાણ્યા ફોન કોલ, OTP અથવા બેંકની માહિતી કોઈને પણ ન આપવાની અપીલ કરવામાં આવી હતી.
નિયમિત રીતે સિનિયર સિટીઝનોની મુલાકાત
પોલીસ દ્વારા વધુમાં જણાવાયું હતું કે જે તે વિસ્તારોમાં સીવી ટીમ અને પોલીસની ટીમ દ્વારા નિયમિત રીતે સિનિયર સિટીઝનોની મુલાકાત લેવામાં આવશે. તેમની કોઈ પણ સમસ્યા કે સુરક્ષા સંબંધિત પ્રશ્ન હોય તો તાત્કાલિક ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવશે.
સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ
આ બેઠકનો મુખ્ય હેતુ સિનિયર સિટીઝનોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો અને પોલીસ તથા નાગરિકો વચ્ચે વિશ્વાસ વધારવાનો હતો.
આ પણ વાંચો--- Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી