અમદાવાદમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા મહત્વપૂર્ણ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. શહેરના વિવિધ અંડરપાસ અને ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.


પાણી ભરાયેલા અંડરપાસમાં જવું નહી

AMC દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે ભારે વરસાદ દરમિયાન જો કોઈ અંડરપાસમાં પાણી ભરાયેલું હોય તો વાહનચાલકો અને રાહદારીઓએ અંદર પ્રવેશ કરવો નહીં. પાણી ભરાયેલા અંડરપાસમાંથી પસાર થવાના કારણે અકસ્માત કે જાનહાનિ જેવી ગંભીર ઘટનાઓ બની શકે છે. કોર્પોરેશને ચેતવણી આપી છે કે આવા સંજોગોમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી AMCની રહેશે નહીં.

આ અંડરપાસમાં ના જતા

ચેતવણી હેઠળ આવેલા મુખ્ય અંડરપાસમાં સ્ટેડિયમ, ઉસ્માનપુરા, અખબારનગર, નિર્ણયનગર, મણીનગર (દક્ષિણી), પરીમલ, કુબેરનગર, મીઠાખળી, મીઠાખળી પેડેસ્ટ્રિયન, જલારામ અંડરપાસ સહિત શહેરના કુલ 25 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ચાંદખેડા, ચેનપુર, મકરબા, સાબરમતી, વાડજ અને વસ્ત્રાપુર વિસ્તારના અનેક રેલવે અંડરપાસ પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. 

 


ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા સલાહ

AMCએ નાગરિકોને વરસાદ દરમિયાન ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા, બેરિકેડિંગ કરાયેલા વિસ્તારોમાં પ્રવેશ ન કરવા અને વિકલ્પરૂપ માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન કેટલાક અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી આ વખતે પણ આગોતરા તકેદારીરૂપે જાહેર ચેતવણી આપવામાં આવી છે.

 સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે AMCની આ સૂચના વાહનચાલકો અને નાગરિકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તંત્રએ લોકોને પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.


આ પણ વાંચો----    Gujarat Latest News live : ફિલીપાઇન્સમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ , અસમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભૂકંપ

  • Follow us on: