Ahmedabad : 36 દિવસ બાદ રાજ્યભરમાં શાળાઓ ફરી ધમધમી, 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ ગુંજી ઊઠી
Ahmedabad : 36 દિવસ બાદ રાજ્યભરમાં શાળાઓ ફરી ધમધમી, 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ ગુંજી ઊઠી
ગુજરાતમાં 36 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓના કલરવ અને ઉત્સાહભર્યા માહોલ સાથે નવા શૈક્ષણિક સત્ર 2026-27ની સત્તાવાર શરૂઆત થઈ
Gujarat| By Sandesh Team | Published: Jun 08, 2026 09:17 am
વેકેશન પુરુ
ગુજરાતમાં 36 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે રાજ્યભરની શાળાઓ ફરી ધમધમતી થઈ છે. વિદ્યાર્થીઓના કલરવ અને ઉત્સાહભર્યા માહોલ સાથે નવા શૈક્ષણિક સત્ર 2026-27ની સત્તાવાર શરૂઆત થઈ છે. લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓ ફરી શાળાએ પહોંચતા શાળા પરિસરો જીવંત બની ગયા હતા.
1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરી
રાજ્યની 54 હજારથી વધુ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં આજે પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. અંદાજે 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરી છે. અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓનું તિલક, ફૂલ અને સ્વાગત કાર્યક્રમો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને કુલ 36 દિવસની રજા મળી હતી
ઉનાળુ વેકેશન 4 મે થી 8 જૂન સુધી જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને કુલ 36 દિવસની રજા મળી હતી. હવે નવા સત્ર સાથે નિયમિત શૈક્ષણિક કામગીરી શરૂ થઈ ગઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રથમ સત્રમાં 120 દિવસનું શિક્ષણ કાર્ય યોજાશે, જ્યારે બીજા સત્રમાં 124 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે.
આ રીતે સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન કુલ 244 દિવસ અભ્યાસ અને શિક્ષણ કાર્ય યોજાશે. બીજી તરફ રવિવાર, જાહેર રજાઓ અને વેકેશન સહિત વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કુલ 121 દિવસની રજાઓ પણ મળશે.
નવા લક્ષ્યો અને નવા ઉત્સાહનો માહોલ
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે વિદ્યાર્થીઓમાં નવી આશા, નવા લક્ષ્યો અને નવા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષકો અને વાલીઓ પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવા સત્રને મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે.