ગુજરાતમાં હાલ આકરી ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર 44.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ અને સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર તથા મોરબીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અંગાર વરસાવતી લૂ
દક્ષિણ ગુજરાતના સુરત અને સૌરાષ્ટ્રના પોરબંદર, કેશોદ તથા કંડલા એરપોર્ટ વિસ્તારમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી હતી.અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2.6 ડિગ્રી ઊંચું નોંધાયું છે.શહેરમાં સાંજના સમયે ભેજનું પ્રમાણ ઘટીને માત્ર 17 ટકા થઈ જતાં સૂકા ગરમ પવનોની તીવ્રતામાં વધારો થયો છે.આગામી બે દિવસ દરમિયાન પાટણ,રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની અસર ચાલુ રહેશે.આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે લોકો ભારે અકળામણ અનુભવશે.રાહતની વાત એ છે કે ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026: આજે સવારે 9 વાગ્યાથી 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે













