સમગ્ર ગુજરાત હાલમાં કાળઝાળ ગરમીની લપેટમાં છે.ગુજરાતનાં 9 શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.અસહ્ય ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે.કચ્છના કંડલામાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા અગનગોળા વરસાવતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયા છે.અમદાવાદ શહેરમાં એપ્રિલ મહિનામાં 44.8 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ છેલ્લા 15 વર્ષમાં બીજી વખત નોંધાયો છે.ગત 30 એપ્રિલના રોજ રેકોર્ડબ્રેક 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે ફરી નોંધાયું છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.


આકરી ગરમી પડવાની આગાહી

ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પશ્ચિમ ગુજરાતમાં પણ ભારે ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાનનો પારો 44.8 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો છે. આગામી બે દિવસ સુધી ગરમીનો પારો ઊંચો રહેશે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં થોડો વધારો થશે. રાજ્યના અન્ય વિસ્તારોમાં આવતીકાલ બાદ રાતનું તાપમાન ઘટશે. બે દિવસ બાદ ચારથી પાંચ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે.

ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીનું જોર વધ્યું

પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે.હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં ગરમીએ માઝા મૂકી છે.કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું છે.કચ્છમાં 45.2, અમદાવાદમાં 44.8, અમરેલીમાં 44.5, રાજકોટમાં 44.4, ગાંધીનગરમાં 44.2, સુરેન્દ્રનગરમાં 44.3, ભુજમાં 43.8, પાટણમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીથી બચવા લોકોએ ઠંડા પીણાનો ઉપયોગ કર્યો છે. આકરી ગરમીમાં વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગરમીના કારણે રસ્તા સુમસામ બન્યાં છે.


આ પણ વાંચોઃ Local body election: મતદાન બાદ અમદાવાદ અને રાજકોટ સહિતની મનપામાં ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા


  • Follow us on: