ગુજરાતમાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થયું હતું. આ મતદાન થયા બાદ રાજકીય પક્ષોમાં કળ વળે તેમ નથી. ઓછા મતદાનને કારણે ઉમેદવારોનું ટેન્શન વધી રહ્યું છે. ઓછા મતદાનને કારણે અમદાવાદ અને રાજકોટ સહિતની મનપામાં રસાકસી આવે તેવી શક્યતાઓ છે. આ વખતે મતદારોના મનમાં શું હતું તેનું આંકલન કરવું મુશ્કેલ બન્યું છે. સુરતમાં કેટલાક વોર્ડમાં ભાજપને અસર થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
ભાજપની બેઠકોમાં બેથી ત્રણ સીટનો ફેર પડી શકે
અમદાવાદમાં ઓછા મતદાનને કારણે અનેક સીટો પર રસાકસી સર્જાય તેવા એંધાણ છે. શહેરમાં બાપુનગર, કુબેરનગર સહિતની બેઠકો પર ભાજપને નુકસાન થઈ શકે છે. સરસપુર વોર્ડમાં પણ ભાજપને નુકસાન થઈ શકે છે. ગત ચૂંટણી કરતાં આ વખતે ભાજપની બેઠકોમાં બેથી ત્રણ સીટનો ફેર પડી શકે છે. જ્યારે કોંગ્રેસને કેટલીક બેઠકો પર ફાયદો થાય તેવી સ્થિતિ છે. AIMIMને મકતમપુરા અને જમાલપુરમાં નુકશાનની શક્યતા છે. જ્યારે આ વોર્ડમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટી ખાતું પણ ના ખોલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
વડોદરામાં વધેલા મતદાનથી ઉમેદવારો ટેન્શનમાં
વડોદરાની વાત કરીએ તો વધેલા મતદાનથી ઉમેદવારો ટેન્શનમાં આવી ગયા છે. ગત વર્ષે મનપામાં 47 ટકા મતદાન હતું પણ આ વર્ષે 53 ટકા થયું છે. નારાજગી રુપી મતદાન હશે તો કોંગ્રેસની બેઠકો વધી શકે છે. ગત વર્ષે 76 માંથી 7 કોંગ્રેસની બેઠક હતી. આ વખતે બેઠક વધી 9 થી 12 થઇ શકે છે. ભાજપના સમીકરણ ચાલી જાય તો કોંગ્રેસને 5 બેઠકો મળી શકે છે.જિલ્લા અને તાલુકામાં ભાજપના તોલે કોઈ નહિ. ટૂંકમાં દૂર દૂર સુધી કોંગ્રેસના કમબેકના આસાર દેખાતા નથી.
સુરતમાં આઠ વોર્ડમાં ભાજપને ચિંતા સળવળી
રવિવારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન સાથે જ હવે પરિણામને લઈને અટકળો અને ચર્ચાનું મોજું ફળી વળ્યું છે.ગઈકાલે સાંજે 6 વાગ્યે મતદાન પૂરું થાય ત્યાં જ રાજકીય કાર્યકરો, નેતાઓએ પરિણામની ગણતરીઓ શરૂ કરી દીધી હતી.બીજી બાજુ 2021ની સાથે સરખામણી કરવામાં આવે તો ભાજપને 8 વોર્ડમાં ફટકો પડ્યો હતો અને બે વોર્ડમાં પેનલ તૂટી હતી.આ વર્ષે પણ પેનલ તૂટશે કે કેમ આ અસરગ્રસ્ત 8 વોર્ડનું પરિણામ ભાજપની તરફેણમાં આવશે કે કેમ એવી અનેક શક્યતાઓ અને ચર્ચા સાથે તર્કવિતર્કનો દોર શરૂ થયો છે.એસઆઈઆરની પ્રક્રિયામાં ઘણા મતદારોના નામ કપાઈ ગયાં છે. આ ઉપરાંત વેસુ, પાલ, અડાજણ અને ઈચ્છાપોરમાં મતદાન ઓછું થયું છે. ત્યારે ભાજપને વોર્ડ 7,8,9માં નુકસાન થઈ શકે છે.
રાજકોટમાં ગત ટર્મમાં 72માંથી 68 બેઠકો ભાજપની હતી
રાજકોટની વાત કરીએ તો ગત ટર્મમાં 72માંથી 68 બેઠકો ભાજપની હતી. વોર્ડ નંબર 15માં ગત ટર્મમાં કોંગ્રેસના ચાર ઉમેદવારો જીત્યા હતાં. આ વખતે વોર્ડ નંબર ત્રણમાં પેનલ તૂટે તેવી શક્યતાઓ છે. વોર્ડ નંબર 15 કોંગ્રેસનો ગઢ રહ્યો છે જે આ વખતે પણ અજેય રહી શકે છે. વોર્ડ નંબર 16માં ડિમોલિશનની અસર થશે કે નહીં તે જોવાનું રહેશે. રાજકોટમાં અંડર કરંટ અને ઓછું મતદાન રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે. આ વખતે ભાજપની સીટો ઘટશે અને કોંગ્રેસની સીટો વધે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ Surat News: અલથાણા છેડતી પ્રકરણમાં AAPનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર? મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી