સમગ્ર ગુજરાત હાલમાં કાળઝાળ ગરમીની લપેટમાં છે.ગુજરાતનાં 9 શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.અસહ્ય ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે.કચ્છના કંડલામાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા અગનગોળા વરસાવતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયા છે.અમદાવાદ શહેરમાં એપ્રિલ મહિનામાં 44.8 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ છેલ્લા 15 વર્ષમાં બીજી વખત નોંધાયો છે.ગત 30 એપ્રિલના રોજ રેકોર્ડબ્રેક 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે ફરી નોંધાયું છે. હવે અંબાલાલ પટેલે ગરમી અને વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ગરમી અને વરસાદને લઈને આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન ઉંચકાશે. 42થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભીષણ ગરમી પડશે. 29 અને 30 એપ્રિલ આસપાસ તાપમાનમાં ઘટાડો થશે. મે મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. જેના કારણે છાંટા પડવાની પણ શક્યતાઓ છે.
ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીનું જોર વધ્યું
પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે.હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં ગરમીએ માઝા મૂકી છે.કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું છે. જે રાજ્યનું સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન છે.અમદાવાદમાં પણ સ્થિતિ ગંભીર છે.જ્યાં મહત્તમ તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું છે.જે સામાન્ય કરતાં 3.2 ડિગ્રી વધારે છે.અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં 44.5 ડિગ્રી, રાજકોટમાં 44.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.3 અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
અકળામણ અને બફારાનો સામનો કરવો પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ,આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના આંતરિક ભાગોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. ખાસ કરીને સુરત,પાટણ, રાજકોટ, પોરબંદર,સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે તેવી ચેતવણી આપવામાં આવી છે.આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે લોકોએ અસહ્ય અકળામણ અને બફારાનો સામનો કરવો પડશે.ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થવાની આશા છે.હાલમાં સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતા હોવાથી ગરમીથી બચવા માટે બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું હિતાવહ છે.
આ પણ વાંચોઃ Surat: પશ્ચિમ બંગાળના 4000 મતદારો વતને રવાના, ઉધના સ્ટેશન પર 'બદલાવ'ના સૂત્રોચ્ચાર સાથે કામદારોમાં ઉત્સાહ