ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે સુરક્ષા એજન્સીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. 'ઓપરેશન ઈગલ ટ્રેપ' હેઠળ અમદાવાદ કસ્ટમ્સ વિભાગે કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહી કરતા મુખ્ય સૂત્રધાર પનીરસેલ્વમ સિંગરાવેલુની તમિલનાડુથી ધરપકડ કરી છે. આ ઓપરેશનમાં અમદાવાદ કસ્ટમ્સ, ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને કુડ્ડલોર કસ્ટમ્સની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી.


ફેબ્રુઆરીમાં ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ

ઘટનાની વિગતો મુજબ, ગત 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં 6.82 કિલો જેટલો શંકાસ્પદ નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન ડ્રગ્સના આ આંતરરાજ્ય નેટવર્ક પાછળ પનીરસેલ્વમ સિંગરાવેલુનું નામ ખુલ્યું હતું. તે દિવસથી જ તપાસ એજન્સીઓ તેના મૂળ સુધી પહોંચવા માટે મથામણ કરી રહી હતી.

ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તપાસ તેજ કરાઈ

અમદાવાદ કસ્ટમ્સની ટીમે બાતમીના આધારે તમિલનાડુમાં દરોડા પાડી આરોપી પનીરસેલ્વમની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હવે તેને અમદાવાદ લાવવામાં આવશે, જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ તપાસમાં ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનું હતું તે અંગેના મોટા ખુલાસા થવાની શક્યતા છે. કસ્ટમ્સ વિભાગની આ સફળતાથી ડ્રગ્સના કાળા કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો---    Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!

  • Follow us on: