અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જૂના ગામતળની જમીન પર આજે વહેલી સવારથી જ ભારે વિરોધ અને હોબાળા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાતા જ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. માહોલ વધુ વણસે નહીં તે માટે મનપાની ટીમ સાથે આવેલા ચુસ્ત પોલીસ કાફલા દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક સ્થાનિકોની ઘટનાસ્થળેથી જ અટકાયત કરવામાં આવી છે.
36 જેટલા ગેરકાયદેસર મકાનો તોડવાની કામગિરી
મળતી વિગતો મુજબ, મોટેરા ગામતળના આશારામ આશ્રમ નજીક આવેલા અંદાજે 36 જેટલા ગેરકાયદેસર મકાનો અને બાંધકામોને દૂર કરવા માટે એએમસીની ટીમ સવારે જેસીબી અને મશીનરી સાથે ત્રાટકી હતી. પોતાના પાકા મકાનો તૂટતા જોઈને સ્થાનિક પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્રની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
આ મકાનો વર્ષો જૂના ગામતળના છે
તંગદિલી એટલી હદે વધી ગઈ હતી કે કેટલાક રહીશોએ વહીવટી તંત્રને રોકવા માટે જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મકાનો વર્ષો જૂના ગામતળના છે અને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા વિના જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્થાનિકોની અટકાયત
જો કે, સ્થાનિકોના વિરોધ અને આત્મવિલોપનની ચીમકી સામે નમતું જોખવાને બદલે મનપા અને પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. સ્થળ પર તૈનાત એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનો અને સ્થાનિકોની અટકાયત કરીને પોલીસ વાનમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મકાનો તોડી પાડવાનું ઓપરેશન આગળ ધપાવવામાં આવ્યું હતું. હાલ સમગ્ર મોટેરા ગામમાં પોલીસ છાવણી જેવો માહોલ સર્જાયો છે અને તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : અમદાવાદના મોટેરામાં વિરોધ વચ્ચે ડિમોલિશન શરુ, સ્થાનિકોની અટકાયત