અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી જ શહેરના મોટેરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ એક મોટી અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મોટેરાના જૂના ગામતળ વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ નજીકના ગેરકાયદેસર મકાનો અને બાંધકામોને તોડી પાડવા માટે એએમસીની હાઈડ્રોલિક અને ડિમોલિશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જો કે, કોર્પોરેશનની ટીમ પહોંચતાની સાથે જ સ્થાનિક રહીશો દ્વારા તેનો જોરદાર અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, જેના કારણે મોટેરા ગામમાં ભારે તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે.


36 જેટલા ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી

તંત્ર દ્વારા આ વિસ્તારમાં આવેલા અંદાજે 36 જેટલા ગેરકાયદેસર મકાનો અને બાંધકામોને જમીનદોસ્ત કરવાની સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી છે. આ કાર્યવાહી શરુ થતાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કોર્પોરેશનની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આત્મવિલોપન કરવાની ચીમકી

વિરોધ એટલી હદે વણસ્યો હતો કે કેટલાક રોષે ભરાયેલા સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. લોકોનું કહેવું છે કે આ મકાનો જૂના ગામતળની જમીન પર આવેલા છે અને નોટિસ આપ્યા વિના જ આ તોડફોડ કરવામાં આવી રહી છે.  



 ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

સ્થાનિકોના ભારે આક્રોશ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે મોટેરા ગામમાં ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડિમોલિશનની જગ્યા પર કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે 1 એસીપી 5 પોલીસ ઇન્સ્પેક્ટર 10 પીએસઆઈ અને 130 થી વધુ પોલીસ કોન્સ્ટેબલોનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસના આ કડક પહેરા વચ્ચે કોર્પોરેશને જેસીબી મશીનો દ્વારા 36 ગેરકાયદેસર મકાનો તોડી પાડવાની ઓપરેશનલ કામગીરી શરૂ કરી દીધી છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ

  • Follow us on: