અમદાવાદ શહેરના નરોડા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કેમિકલ ક્ષેત્રની જાણીતી કંપની 'MSN ઇન્ટરમિડિયેર'માં તાજેતરમાં લાગેલી ભયાનક આગની ઘટનામાં આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. આ અકસ્માતમાં એક નિર્દોષ કર્મચારીનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર ફેક્ટરીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.
બે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ
આ મામલે પ્રાથમિક તપાસ બાદ નરોડા પોલીસ સ્ટેશનમાં કંપનીના સત્તાધીશો વિરુદ્ધ માનવ જિંદગી જોખમાય તેવી ઘોર બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ફેક્ટરીના મુખ્ય મેનેજર સહિત બે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
યોગ્ય મેઇન્ટેનન્સ કરવામાં આવતું નહોતું
તપાસ દરમિયાન કંપની કઈ હદે સુરક્ષાના નિયમો નેવે મૂકીને ચાલતી હતી તેના ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. એફઆઈઆર મુજબ, કંપની દ્વારા મશીનરી કેમિકલ પ્રક્રિયાઓ માટે અત્યંત સંવેદનશીલ હોવા છતાં તેનું સમયસર અને યોગ્ય મેઇન્ટેનન્સ કરવામાં આવતું નહોતું. આ ઉપરાંત, કંપનીમાં ફરજ બજાવતા શ્રમિકો અને કર્મચારીઓને આપાતકાલીન પરિસ્થિતિમાંથી બચવા માટે જરૂરી પૂરતા સેફ્ટી સાધનો પણ પૂરા પાડવામાં આવ્યા નહોતા. આ આયોજનબદ્ધ બેદરકારી જ આખરે આગની મોટી દુર્ઘટનામાં પરિણમી હતી અને વગર વાંકે એક કર્મચારીએ પોતાનો કિંમતી જીવ ગુમાવવો પડ્યો હતો.
આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન
આગના કારણે આસપાસની અન્ય ફેક્ટરીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી નરોડા પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગની ટીમોને સાથે રાખીને પુરાવા એકત્રિત કર્યા છે. ઔદ્યોગિક એકમોમાં સેફ્ટી ઓડિટના નામે થતી કાગળ પરની કામગીરી સામે પણ જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે મુખ્ય મેનેજર સહિત બંને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આ મામલે વધુ કડક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના સ્થાનિકોના વિરોધ વચ્ચે ગામતળની જમીનનું ડિમોલિશન શરુ