અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં ફ્લેટ અને દુકાનના બુકિંગના નામે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. શેલામાં આવેલી ‘અક્ષર અનંત’ નામની સ્કીમમાં બુકિંગના બહાને આશરે 12.40 કરોડ રૂપિયાની ઠગાઈ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, બિલ્ડર અને બ્રોકર સહિત કુલ 7 લોકો સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએ પ્રોજેક્ટમાં ફ્લેટ અને દુકાનો આપવાના બહાને રોકાણકારો અને ગ્રાહકો પાસેથી બુકિંગ રકમ વસૂલ કરી હતી. બાદમાં સ્કીમ અચાનક બંધ કરી દેવામાં આવી અને બુકિંગ કરનારાઓને કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.
શેલામાં અક્ષર અનંત સ્કીમમાં બુકીંગના બહાને ઠગાઇ
આ ઉપરાંત, જે જમીન પર પ્રોજેક્ટ વિકસાવવાનો હતો તે જમીન અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે રોકાણકારોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આ સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી પૌરવની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા આર્થિક લેવડદેવડ, દસ્તાવેજો અને જમીન વેચાણ સંબંધિત વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં મોટાપાયે ગેરરીતિ સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરતા પહેલા પૂરતી ચકાસણી કરવાની જરૂરિયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે.













