અમદાવાદ શહેરમાં હાલ સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે વધુ એક બ્રિજ બિસ્માર હાલતમાં છે, જે કારણે દૂર્ઘટના સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવામાં તંત્રની બેદરકારીને કારણે લોકોને જીવનું જોખમ ઉભું થયું છે. અમદાવાદમાં ઘણા બ્રિજની હાલત જર્જરિત છે, આ બ્રિજનું ઝડપથી સમારકામ કરાવવા માટેની માંગ શહેરીજનો દ્વારા કરવામાં આવી છે.
સરદાર બ્રિજ પર લોખંડના સળિયા દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો
અમદાવાદમાં એક બાદ એક બ્રિજ જર્જરિત હોવાનું સામે આવી રહ્યું છે. જે કારણે બ્રિજ પરથી પસાર થતા સમયે લોકોને જોખમ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે. 4 ડિસેમ્બરના રોજ સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યા બાદ હવે સરદાર બ્રિજ પર લોખંડના સળિયા દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સરદાર બ્રિજના બંને બાજુના જોઈન્ટ્સમાં ગાબડા જોવા મળી રહ્યા છે. આ બ્રિજ પર રોડ હજારો વાહન પસાર થઈ રહ્યા છે.
ગંભીરા દૂર્ઘટના બાદ ઘણા બ્રિજનું ઇન્ફેકશન
ઉલ્લેખનીય છે કે, સરદાર બ્રિજ સાબરમતી નદી પર બનેલો છે, અને તે પાલડી અને જમાલપુરને જોડે છે. અમદાવાદ શહેરમાં કૂલ 92 બ્રિજ આવેલા છે. તેમાંથી 15 વર્ષ જૂના બ્રિજનું ઇન્ફેકશન કરવામાં આવી રહ્યું છે. ગંભીરા દૂર્ઘટના બાદ ઘણા બ્રિજનું ઇન્ફેકશન કરવામાં આવ્યું હતું. જે બાદ ઘણા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા હતા, તો ઘણા બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે.આવામાં સરદાર બ્રિજની હાલત બિસ્માર જોવા મળતા તંત્રની બેદરકારી સામે આવી છે.
સ્થાનિકોના તંત્રને સવાલ
આ મામલે વાહનચાલકોએ જણાવ્યું હતું કે, સરદાર બ્રિજ પડે કે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે. બાકી દુર્ઘટના બાદ માફી માંગવાથી લોકોના ગયેલા જીવ પાછા આવી જતા નથી. આ સાથે સ્થાનિકો તંત્રને સવાલ કરી રહ્યા છે કે, કાલે સવારે મોટી દુર્ઘટના થશે, તો જવાબદારી કોની? સરદાર બ્રિજ પર લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે.
બ્રિજનું તાત્કાલિકધોરણે ઇન્ફેકશન કરવામાં આવે તેવી માંગ
આ સાથે સરદાર બ્રિજના જોઈન્ટમાં ઘણી જગ્યાએ ગાબડા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત સરદાર બ્રિજના બંને બાજુના જોઈન્ટ્સમાં ઊંડા ગાબડાં પણ જોવા મળી રહ્યા છે. જે કારણે ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે. રોજનાં હજારો વાહનોનો ભાર સહન કરતો આ બ્રિજ તંત્રની બેદરકારીના પરિણામે હવે મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો છે. આ બ્રિજનું તાત્કાલિકધોરણે ઇન્ફેકશન કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. આ ઉપરાંત ઝડપથી સમારકામ કરવાની માંગ પણ વાહનચાલકો કરી રહ્યા છે.
મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની?
ગંભીરા બ્રિજની જેમ આ પણ અચાનક ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થઈ શકે છે. ગંભીરા બ્રિજની ઘટનાથી કોઈ બોધપાઠ ન લેનારું તંત્ર હવે સરદાર બ્રિજની હાલત જોઈને પણ ચૂપ જોવા મળી રહ્યું છે. સરદાર બ્રિજ પડે તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે, નહીં તો મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની?
આ પણ વાંચો - Ahmedabad : ઘુમાના પર્લ બંગલોઝમાં ફુલ સ્પીડે સ્કોર્પીયો ચલાવનારા યુવક સામે ફરિયાદ