અમદાવાદ શહેરના નરોડા-દહેગામ રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નરોડા-દહેગામ હાઈવે પર આવેલા એણાસણ ગામ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઈક ચાલકને જોરદાર અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


ટ્રેકટરની અડફેટે બાઈક ચાલકનું મોત

ત્યારબાદ સ્થાનિકો દ્વારા આ અકસ્માત અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટ્રેક્ટર ચાલકની ગફલતભરી ડ્રાઈવિંગને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને તેના પરિવારજનોને જાણ કરવા માટે ઓળખ વિધિ શરૂ કરી હતી.

અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસે આ અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને  વધુ તપાસ હાથ ધરી છે. નરોડા-દહેગામ રોડ પર ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી અવારનવાર નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસે અકસ્માત સ્થળેથી વાહનોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: