અમદાવાદ શહેરના આકાશમાં એક અદભૂત ખગોળીય નજારો જોવા મળ્યો હતો, જેમાં તેજસ્વી ઉલ્કાઓ આકાશમાંથી પસાર થતી દેખાઈ હતી. ખાસ કરીને સાઉથ બોપલ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ રાત્રે આશરે 8.10 કલાકે આકાશમાં અચાનક તેજ લીસોટા જેવી ઉલ્કાઓ પડતી જોઈ હતી. રાત્રિના અંધકારમાં આ તેજસ્વી પ્રકાશ જોઈને સ્થાનિક રહીશોમાં આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળ્યું હતું.
સાઉથ બોપલમાં આકાશમાં દેખાઈ ઉલ્કાઓ
વિજ્ઞાનની દ્રષ્ટિએ આ એક સામાન્ય ખગોળીય ઘટના છે, જેમાં અવકાશમાંથી આવતા નાના પથ્થરો કે ધૂળના રજકણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ ઘર્ષણને કારણે સળગી ઉઠે છે અને આપણને તેજસ્વી લીસોટા સ્વરૂપે દેખાય છે. અમદાવાદમાં સ્પષ્ટ આકાશ હોવાને કારણે આ નજારો નરી આંખે જોઈ શકાયો હતો. સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ આ દ્રશ્યોના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. ખગોળશાસ્ત્રીઓના મતે, વર્ષના અમુક સમયે પૃથ્વી જ્યારે ધૂમકેતુના માર્ગમાંથી પસાર થાય છે ત્યારે આવી ઉલ્કા વર્ષા (Meteor Shower) જોવા મળતી હોય છે.













