અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આજે ટ્રાફિક કમિટી અને સંકલન સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોના વિકાસલક્ષી કાર્યો અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વેજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્યએ સ્થાનિક જનતાને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન સમક્ષ અલગ-અલગ મુદ્દે ધારદાર રજૂઆતો કરી હતી, જેની પર સકારાત્મક ચર્ચા થઈ હતી.


સરખેજ પોલીસ સ્ટેશન અન્ય સ્થળે ખસેડાશે

ધારાસભ્યએ બેઠકમાં રજૂઆત કરી હતી કે હાલમાં સરખેજ પોલીસ સ્ટેશનની એક જ ઇમારત કે પ્રિમાઇસીસમાં ૩ અલગ-અલગ પોલીસ સ્ટેશન કાર્યરત છે, જેના કારણે વહીવટી કામગીરીમાં અને અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે આગામી સમયમાં સરખેજ પોલીસ સ્ટેશનને અન્ય અનુકૂળ સ્થળે ખસેડવામાં આવશે તેવી ખાતરી મળી છે. આ ઉપરાંત વિસ્તારની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવા અને ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

નાગરિકોની સુવિધા વધારવા રજૂઆત

શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી વાહન ટોઇંગની કામગીરીથી સામાન્ય નાગરિકો હેરાન ન થાય તે માટે ધારાસભ્યએ એક નવતર સૂચન કર્યું હતું. તેમણે રસ્તાની સાઇડમાં નાગરિકો માટે 'યેલો લાઇન' એટલે કે પીળો પટ્ટો લગાવવાની રજૂઆત કરી હતી. જો કોઈ નાગરિકનું વાહન આ નિર્ધારિત પીળા પટ્ટાની અંદર પાર્ક કરેલું હોય, તો ટ્રાફિક પોલીસ દ્વારા તેને ટોઇંગ ન કરવામાં આવે તેવી લોકહિતની માંગ તેમણે બેઠકમાં મૂકી હતી. આ નિર્ણયથી વાહનચાલકોને મોટી રાહત મળશે અને પાર્કિંગની શિસ્ત પણ જળવાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: