અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરા વિસ્તારમાં આવેલા 'રાવલભાઈ એપાર્ટમેન્ટ'માં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણી-પક્ષીઓના બ્રીડિંગ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. રહેણાંક ફ્લેટમાં ચાલતા આ નેટવર્ક દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોની કિંમત ધરાવતા દુર્લભ જીવોનું વેચાણ અને સંવર્ધન કરવામાં આવતું હતું. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીમાં વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને પણ સાથે રાખવામાં આવ્યા છે.
નવરંગપુરામાં વન્યજીવ રેકેટનો મોટો પર્દાફાશ
તપાસ દરમિયાન પોલીસને આશ્ચર્યચકિત કરી દે તેવા વિદેશી જીવો મળી આવ્યા છે. જેમાં અત્યંત કિંમતી રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું, 7 પર્સિયન કેટ, 14 હૅમ્સ્ટર અને મિની લોપ સસલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આફ્રિકન ગ્રે પેરોટ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, સલ્ફર કોકાટુ અને સન કોનીપોર જેવા દુર્લભ પક્ષીઓ પણ પાંજરે પુરાયેલા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં 'પરિવેશ' પોર્ટલ પરના આ જીવોના ડોક્યુમેન્ટ્સ અધૂરા અને શંકાસ્પદ જણાયા છે, જે મોટા ગેરકાયદે રેકેટ તરફ ઈશારો કરે છે.













