ગુજરાતમા દારૂબંધી અને દારૂના વેચાણને લઈને રાજનીતિ હાલમાં ગરમ છે. તેવામાં ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ દારૂબંધી સામે સવાલો ઉભા કર્યા છે. અમદાવાદના ગોમતીપુરના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ નશાકારક દ્રવ્યોના વેચાણનો આક્ષેપ કરીને પોલીસને પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં ગોમતીપુરમાં ખુલ્લેઆમ દારુ વેચાતો હોવાનો આક્ષેપ કર્યો છે.


ડ્રગ્સ અને ગાંજાના ખુલ્લેઆમ વેચાણનો પણ આક્ષેપ

ગોમતીપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ પોલીસને પત્ર લખીને ગોમતીપુરમાં નશાકારક દ્રવ્યો અને દારુના ખુલ્લેઆમ વેચાણનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત ચરસ, ડ્રગ્સ અને ગાંજાના ખુલ્લેઆમ વેચાણનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ અસામાજિક તત્વો જુગાર અને સટ્ટો રમાડતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી

ગોમતીપુરના પૂર્વ ધારાસભ્યએ પોલીસને લખેલા પત્રમાં એવું પણ કહ્યું છે કે, અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. પોલીસની રહેમનજર હેઠળ અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. આવા લોકો સામે સ્થાનિકો ફરિયાદ કરવા જતાં પણ ડરી રહ્યા છે. જો આ મુદ્દે પગલાં નહીં ભરાય તો આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. દારુ અને ડ્રગ્સના વેચાણ સામે કોંગ્રેસ હાલ સરકાર સામે મેદાનમાં છે. બીજી બાજુ ખુદ ભાજપના નેતા આ મુદ્દે મેદાનમાં ઉતરવાથી મામલો વધુ ગરમ થાય તો નવાઈ નહીં.


આ પણ વાંચોઃ Ahmedabad માં મિત્રએ જ કર્યો મિત્ર પર ગોળીબાર, નારોલમાં શિવાલિક એપાર્ટમેન્ટ પાસે એક રાઉન્ડ ફાયરિંગ, એક ઘાયલ


  • Follow us on: