અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી હયાત હોસ્પિટલમાં આજે સાંજે અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સદભાગ્યે આગ લાગી તે સમયે હોસ્પિટલ સંપૂર્ણપણે ખાલી હોવાથી એક પણ વ્યક્તિને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિના સમાચાર નથી. સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીના કારણે મોટી દુર્ઘટના ટળી છે.


ફાયર વિભાગની તાત્કાલિક કામગીરી

આગની જાણ થતાં જ ફાયર અને ઇમરજન્સી સર્વિસિસ વિભાગ (FES)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની બે ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગને હોસ્પિટલના અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી હતી અને થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો.

આગ લાગવાનું કારણ અકબંધ

આગ એટલી વિકરાળ હતી કે હોસ્પિટલના કેટલાક ભાગોને નુકસાન પહોંચ્યું છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે. હાલમાં શોર્ટ-સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

BU ન હોવાથી હોસ્પિટલને સીલ કરવામાં આવી

સદ્ભાગ્યે, બનાવ સમયે હોસ્પિટલ ખાલી હોવાથી અને ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ છે. આ ઘટનાએ શહેરની જૂની અને ગીચ વસ્તી ધરાવતી ઇમારતોમાં અગ્નિ સુરક્ષાના ધોરણોની ચકાસણીનો મુદ્દો ફરી એકવાર ઊભો કર્યો છે. આગ લાગવાની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હયાત હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે. ઘી કાંટા પાસે આવેલી હોસ્પિટલ સીલ કરીને મનપાએ કાર્યવાહી કરી છે. BU ન હોવાથી હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. આગના બનાવમાં બિલ્ડિંગમાં BU નહીં હોવાથી અમદાવાદ મનપાએ કાર્યવાહી કરી હતી.


આ પણ વાંચો - Amreli news: ઈંગોરાળા ગામમાં કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, 2 કલાકની જહેમત બાદ બહાર કઢાયો



  • Follow us on: