અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દક્ષિણ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા આજે દબાણ હટાવવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના દક્ષિણ ઝોનમાં આવતા ફતેવાડી કેનાલ પાછળના વિસ્તારમાં લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્રએ મેગા ડ્રાઈવ ચલાવી હતી. આ કામગીરી દરમિયાન કેનાલની આસપાસની સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા.


5 રહેણાંક મિલકત અને 1 કોમર્શિયલ બાંધકામો દૂર કર્યા

આ ઓપરેશન દરમિયાન AMCની ટીમે કુલ 5 રહેણાંક મિલકતો અને 1 કોમર્શિયલ બાંધકામને તોડી પાડીને જમીનદોસ્ત કરી દીધા હતા. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાને કારણે ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મહાનગરપાલિકાના અધિકારીઓની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

20,645 ચોરસ ફૂટ જગ્યામાં હતા ગેરકાયદેસર દબાણ

એસ્ટેટ વિભાગના જણાવ્યા અનુસાર, આ દબાણ હટાવવાની ઝુંબેશ દ્વારા અંદાજે 20,645 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આ કિંમતી જમીન પર લાંબા સમયથી દબાણોને કારણે જાહેર સુવિધાઓ અને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. આવનારા દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે તેવી સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: