રાજસ્થાનમાં લૂંટના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા એક શાતિર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી દીપક બજરંગ છેલ્લા દોઢ વર્ષથી નાસતો-ફરતો હતો, જેને આખરે કુબેરનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનનો વોન્ટેડ આરોપી દીપક બજરંગ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં છુપાયેલો છે.


રાજસ્થાનમાં લૂંટ કરી છેલ્લા દોઢ વર્ષથી હતો ફરાર

આ બાતમીના આધારે પોલીસે આદર્શ સ્કૂલ, કુબેરનગર પાસે વોચ ગોઠવી હતી અને આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપી દીપક બજરંગ સામે અત્યાર સુધીમાં અલગ-અલગ કુલ 9 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે મુખ્યત્વે લૂંટ અને અન્ય હિંસક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. રાજસ્થાન પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ તે પોતાનું ઠેકાણું બદલીને અમદાવાદમાં આશરો લઈ રહ્યો હતો.

આરોપીને રાજસ્થાન પોલીસને સોંપવાની તૈયારી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કર્યા બાદ આ અંગે રાજસ્થાનની કોતવાલી પોલીસને જાણ કરી છે. હાલમાં આરોપીને રાજસ્થાન પોલીસને સોંપવા માટેની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પોલીસની આ સતર્કતાને કારણે એક આંતરરાજ્ય ગુનેગાર આખરે જેલના સળિયા પાછળ પહોંચ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: