અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે શહેરના જાણીતા દીપ અને કામેશ્વર બિલ્ડરના વ્યવહારોમાં દરોડા પાડ્યા છે. જેમાં મોટા બેનામી વ્યવહારો અને રોકડ-સોનાના દાગીના મળ્યા છે. તાજેતરની તપાસમાં ઈન્કમટેક્સ વિભાગે 50 લોકર ચેક કર્યા હતા અને તેમાંથી નોંધપાત્ર સફળતા મળી છે. તપાસના અંતે 17 કરોડ રૂપિયાની રોકડ અને આશરે 35 કરોડ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે, જે બિલ્ડરોના બેનામી વ્યવહારો સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
રોકડની લેવડ-દેવડની વિગતો જોવા મળી
ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 50 લોકરમાંથી પ્રાપ્ત દસ્તાવેજોનું એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજોમાં બેનામી મિલકતના કારોબાર અને રોકડની લેવડ-દેવડની વિગતો જોવા મળી છે, જે સરકાર માટે મહત્વપૂર્ણ પુરાવા ગણાય છે. અત્યાર સુધી મળેલા દસ્તાવેજો પરથી અંદાજ લગાવવામાં આવ્યો છે કે બેનામી વ્યવહારનો આંકડો વધારે પણ હોય શકે છે.













