અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ સામે સેશન્સ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં તથ્ય પટેલ સામે બે સાક્ષીઓએ જુબાની આપી હતી. આગામી સુનાવણીમાં અકસ્માતના પીડિતો અને પરિજનો દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. ટ્રાયલ કોર્ટે ઝડપથી ચાર્જ ફ્રેમ પ્રક્રિયા પૂર્ણ કરી છે. બીજી તરફ હાઈકોર્ટે તથ્ય પટેલને ઝટકો આપ્યો છે.
સાપરાધ મનુષ્ય વધને લગતી કલમો દૂર નહીં થાય
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. આ અરજી પરની સુનાવણીમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, 304 અને 308 કલમ દૂર નહીં થાય. સાપરાધ મનુષ્ય વધને લગતી કલમો દૂર નહીં થાય. સાપરાધ મનુષ્ય વધની કલમમાં 10 વર્ષની સજાની જોગવાઇ છે. તથ્ય પટેલે અમદાવાદ કોર્ટમાં IPCની કલમ 304 અને 308માંથી ડિસ્ચાર્જ માંગી હતી, જ્યારે તેના પિતા પ્રગ્નેશ પટેલે પણ કેસમાંથી ડિસ્ચાર્જ માગ્યું હતું. બંને અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નકારતા વર્ષ 2023ના અંતમાં તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી.













