અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ 23 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યાથી 28 જાન્યુઆરીની રાત્રે 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો. હવે ફરીવાર આ અંડરપાસને બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજથી આગામી 4 ફેબ્રુઆરી સુધી આ અંડરપાસ રાત્રે 11થી સવારે 06 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. અંડરપાસ બંધ કરવાનો નિર્ણય લેવાની સાથે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે.
બુલેટ ટ્રેનની કામગીરીને કારણે અંડરપાસ બંધ
અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે બુલેટ ટ્રેનની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ ફરીવાર વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આજથી આગામી 4 ફેબ્રુઆરી સુધી રાત્રે 11થી સવારે 06 વાગ્યા સુધી આ અંડર પાસ બંધ રાખવામાં આવશે. વાહન ચાલકોને કોઈ તકલીફ ના પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની પણ તૈયારી કરવામાં આવી છે.













