અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ અને રિંગરોડ આસપાસના નવા ભળેલા વિસ્તારો માટે પીવાના પાણીની વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા AMCને દૈનિક 467 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) નર્મદાના પાણીનો વધારાનો જથ્થો આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ જથ્થો ખાસ કરીને બોપલ, વેજલપુર, શેલા અને મણિપુર જેવા વિસ્તારોમાં રહેતા હજારો પરિવારો માટે વરદાન સાબિત થશે. નર્મદાનું આ પાણી સીધું જ જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચાડવામાં આવશે, જ્યાંથી શુદ્ધિકરણ બાદ તેનું વિતરણ કરવામાં આવશે.
અમદાવાદમાં જળક્રાંતિ
હાલમાં અમદાવાદ શહેરમાં દૈનિક ધોરણે અંદાજે 1600 MLD પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ વસ્તી વધારા અને નવા વિસ્તારોના સમાવેશને કારણે પાણીની માંગ સતત વધી રહી હતી. રિંગરોડના આ પટ્ટામાં નર્મદાના નીર પહોંચતા લોકોની બોરવેલ પરની નિર્ભરતા ઘટશે અને ગ્રાઉન્ડ વોટર લેવલ જાળવવામાં પણ મદદ મળશે. આ આયોજનને કારણે હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં પણ ચોવીસ કલાક પૂરતું અને શુદ્ધ પાણી મળે તે દિશામાં તંત્રએ નક્કર કદમ ઉઠાવ્યું છે.













