શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી છારાનગર ફ્રી કોલોનીમાં મોડી રાત્રે તસ્કરોએ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી એક વૃદ્ધાની હત્યા કરી નાખી છે. આ ઘટનામાં આરોપીઓની ક્રૂરતા એટલી હતી કે હત્યા કર્યા બાદ પણ તેઓ લગભગ એક કલાક સુધી ઘરમાં રહીને સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવતા રહ્યા હતા. આ ઘટનાએ શહેરમાં એકલા રહેતા વૃદ્ધોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.


વૃદ્ધાને કાબૂમાં લઈ તેમના પગ બાંધી દીધા હતા

 મૃતકની ઓળખ ભારતીબેન બજરંગી તરીકે થઈ છે. 62 વર્ષીય ભારતીબેન છારાનગર વિસ્તારમાં પોતાના ઘરે એકલા રહેતા હતા. પોલીસના પ્રાથમિક અનુમાન પ્રમાણે, મોડી રાત્રે ત્રણ જેટલા અજાણ્યા તસ્કરો લૂંટના ઈરાદે તેમના ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં ઘૂસ્યા બાદ આરોપીઓએ સૌપ્રથમ વૃદ્ધાને કાબૂમાં લઈ તેમના પગ બાંધી દીધા હતા. તપાસમાં સામે આવ્યું છે કે તસ્કરોએ વૃદ્ધાનું મોઢું દબાવી દીધું હતું, જેના કારણે વૃદ્ધાના મોઢાના ભાગે ગંભીર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. પોલીસનું માનવું છે કે તસ્કરો લૂંટ દરમિયાન પ્રતિકાર ન થાય તે માટે વૃદ્ધાને તેમને બેફામ રીતે દબાવી રાખ્યા હતા, જેના કારણે તેમનું મોત થયું છે.

અઢી લાખની લૂંટ ચલાવી હોવાની માહિતી

 અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છારાનગરમાં લૂંટ સાથે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 65 વર્ષીય વિધવા વૃદ્ધા ભારતીબેન બજરંગીની અજાણ્યા શખ્સોએ હત્યા કરી સોનાના દાગીના અને રોકડ સહિત અંદાજિત રૂપિયા અઢી લાખની લૂંટ ચલાવી હોવાની માહિતી સામે આવી છે.

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી

પ્રાથમિક માહિતી અનુસાર ગત રાત્રે અંદાજે 11:30 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા દરમિયાન આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. સવારે ભારતીબેનનો નોકર ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો ન ખુલતા બારીમાંથી જોતા તેઓ ઉંધા પડેલા હાલતમાં જોવા મળ્યા હતા અને ઘરમાં ઘરવખરી અસ્તવ્યસ્ત હાલતમાં હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસને શંકા છે કે આ લૂંટ સાથેની હત્યાની ઘટનામાં કોઈ જાણભેદુ વ્યક્તિ સંડોવાયેલો હોઈ શકે છે. હાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

 ભારતીબેન હાથ-પગ બાંધેલી હાલતમાં ઉંધા પડેલા જોવા મળ્યા

અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છારાનગરમાં ગત રાત્રે બનેલી લૂંટ સાથે હત્યાની ઘટનામાં હવે મૃતક ભારતીબેન બજરંગીના પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ સવારે તેમને ઘટના અંગે જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પરિવારજનો દ્વારા ઘરના દરવાજા બંધ હોવાથી દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. અંદર પ્રવેશતા ભારતીબેન હાથ-પગ બાંધેલી હાલતમાં ઉંધા પડેલા જોવા મળ્યા હતા અને તેમના મોંમાંથી લોહી નીકળતું હતું. ઘટનાની જાણ થતા પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક ભારતીબેનના પરિવારમાં ત્રણ પુત્રો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

FSL ટીમે સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા

 ઘરમાંથી કિંમતી સામાન ભેગો કર્યા બાદ તેઓ અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા એથી સમજાય છે કે આરોપીઓએ ખૂબ શાંતિથી અને આયોજનબદ્ધ રીતે આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. વહેલી સવારે જ્યારે ઘરમાં કામ કરવા આવતો નોકર આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો. શંકા જતા તેણે અંદર જઈ તપાસ કરી તો ભારતીબેન મૃત હાલતમાં જોવા મળ્યા. આ દૃશ્ય જોઈ તરત જ સ્થાનિક લોકોને જાણ કરી અને બાદમાં પોલીસને માહિતી આપવામાં આવી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. FSL ટીમે સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં ત્રણ શંકાસ્પદ શખ્સોની હિલચાલ કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

વૃદ્ધોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતા ઉભી થઇ

આ ઘટનાએ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે એકલા રહેતા વૃદ્ધોની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવો જરૂરી છે. છારાનગરમાં થયેલી આ ઘટના માત્ર એક લૂંટ અથવા હત્યા નથી. આ ઘટના શહેરમાં એકલા રહેતા વૃદ્ધોની સુરક્ષાને લઈને ગંભીર ચેતવણી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ હત્યાના આરોપીઓને કેટલા સમયમાં પકડી શકે છે અને શહેરમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કયા પગલાં લે છે.


આ પણ વાંચો----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

  • Follow us on: