અમદાવાદ જિલ્લાના વિરમગામ-માંડલ રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. વિરમગામના ભોજવા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ નજીક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી બસ અને એક ખાનગી કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.
કુલ 5 થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી
પ્રાપ્ત માહિતી અનુસાર, ભોજવા ગામ નજીક કેનાલ પાસે કાર અને એસટી બસ સામસામે અથડાયા હતા. આ ઘટનામાં કુલ 5 થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.













